Certificate Course in Gujarati Communication Skills
ગુજરાતી એ ભારતની સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક છે અને ગુજરાત રાજ્યની પ્રાદેશિક તેમજ સત્તાવાર ભાષા છે. ગુજરાતી ભાષામાં પ્રાવિણ્ય મેળવવાથી માત્ર તેની સમૃદ્ધ સાહિત્યિક અને સાંસ્કૃતિક પરંપરાને સમજવાની તક જ પ્રાપ્ત થતી નથી, પરંતુ ગુજરાતમાં રહેવા તેમજ લોકો સાથેના સંવાદને વધુ અર્થપૂર્ણ અને સ્વાભાવિક બનાવવામાં પણ મદદ મળે છે.
બીજી અથવા વિદેશી ભાષા શીખવાની પ્રક્રિયા માતૃભાષા શીખવાની પ્રક્રિયા કરતાં અલગ અને વિશિષ્ટ હોય છે. આ કોર્સ ખાસ કરીને ગુજરાતી ભાષા ન જાણનારા અને તેને શીખવા માગતાં હોય તેમને માટે તૈયાર કરવામાં આવ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ આ ભાષા શીખનારાઓને ખાસ કરીને બોલચાલના સંવાદ કૌશલ્ય પર વિશેષ ભાર મૂકીને મૂળભૂત ગુજરાતી ભાષાનું મજબૂત જ્ઞાન પ્રદાન કરવાનો છે
આ કોર્સમાં ગુજરાતી લિપિ, ઉચ્ચારણ (ધ્વનિશાસ્ત્ર), વ્યાકરણ તથા ગુજરાતી સંસ્કૃતિના વિવિધ પાસાંઓનો પરિચય આપવામાં આવે છે. સાથે જ વાંચન, લેખન, શ્રવણ અને કથન — ભાષાના ચારેય મૂળભૂત કૌશલ્યોના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ અને પ્રાયોગિક અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓ માત્ર ભાષાની રચનાઓનો અભ્યાસ જ નહીં કરે, પરંતુ દૈનિક જીવનની વાસ્તવિક પરિસ્થિતિઓમાં ભાષાનો અસરકારક રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે પણ શીખશે।